એસ્ટેટ શાખાની ટુકડી દ્વારા સમગ્ર દિવસ દરમિયાન 12 રેકડીનો માલ સામાન જપ્ત કરાયો:  દબાણ કરનારાઓમાં દોડધામ-ભાગંભાગ

હેલ્લો હાલાર ન્યૂઝ, તા. 22 સપ્ટેમ્બર 24,

જામનગર

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી આજે ફરીથી દોડતી થઈ હતી, અને જામનગરના બર્ધન ચોક વિસ્તાર તેમજ ઓશવાળ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જેને લઈને ભારે નાશ ભાગ થઈ હતી. એસ્ટેટ શાખાની ટીમેં બંને સ્થળેથી 12 નંગ રેકડી, 20 પથારા તથા અન્ય સામગ્રી જપ્ત કરી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.

એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી સહિતની ટીમ આજે સવારે ઓસવાળ હોસ્પિટલ નજીક પહોંચી હતી, અને ત્યાંથી ખંભાળિયા ગેઇટ સુધીના સમગ્ર વિસ્તારમાં દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇને ભારે દોડધામ થઈ હતી.

ઉપરોક્ત સ્થળેથી ટ્રાફિકને અડચણ રૂપ મુજબ ની બે રેકડી તથા અન્ય કેટલાક માલ સામાન જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. આ ઉપરાંત બપોર પછી જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ફરીથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી હતી, અને એકી સાથે 10 રેંકડી તેમજ 20 પથારા જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.

આ કાર્યવાહી ને લઈને બર્ધન ચોક વિસ્તારમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. એસ્ટેટ શાખાની ટુકડીએ દરબાર ગઢથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

ઑવર બ્રીજના પતરા હટાવવા અંગે કમિશનરનું અકળાવનારૂ મૌન
પતરા હટાવી પ્રજાજનો માટે માર્ગ મોકળો કરાવવો સત્તાધીશોની ફરજ: કોન્ટ્રાક્ટરનો સામાન અને મજૂરોનું રહેઠાણ બની ચૂકેલા સ્થળ પર અવાર-નવાર અકસ્માતો અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે

ઑવર બ્રીજના લગભગ પૂર્ણ થઈ ચૂકેલા કામની જગ્યાએ પતરાની આડસો રાખવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટરો પોતાનો માલ-સામાન રાખે છે તેમજ મજૂરો આ સ્થળ ઉપર રહેઠાણ બનાવીને વસવાટ કરી રહ્યાં છે. જામનગરના નાના-નાના વેપારીઓના દબાણ હટાવીને મુળૂ માણેક બનીને ફરતાં ઍસ્ટેટ અધિકારીઓને અહીંના દબાણ દેખાતાં નથી! એટલું ઓછું હોય કમિશનર પણ આ બાબત ધ્યાન આપતાં નથી એ આશ્ર્ચર્યની વાત છે, કમિશનરને શું કોઈ ગ્રહ નડે છે?! ઉલ્લેખનિય છે કે, પતરાના દબાણોના કારણે ટ્રાફિક જામની સાથે-સાથે નાના-મોટા અકસ્માતો પણ થાય છે. જનતાની માંગ છે કે, સત્તાધીશો આ બાબતે ધ્યાન આપે અને કમિશનર પોતે આ મામલાની પતાવટ કરે! આ કામને પણ એક સ્વચ્છતા અભિયાન જ કહી શકાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *