આવનારા સમયમાં જામનગરને ત્રીજું સ્મશાન મળશે: ચેરમેન કગથરા

રોગચાળો ગંભીર બાબત છે: જામનગરની 7 અને 10 નંબરની ટીપી સ્કીમ હજુ મંજુર થઇ નથી, ઝડપથી મંજુર કરાવો

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.20 ઑગસ્ટ 24,

જામનગર

જામનગર શહેરમાં ઠેર-ઠેર ગંદકીના થર જોવા મળે છે, એક તરફ કોલેરા અને ચાંદીપુરા રોગોનું સામ્રાજય છે, નગરપાલિકાના વખતમાં પણ આવી બેદરકારી કયારેય જોઇ નથી, પુરતું આયોજન ન હોવાના કારણે શહેરમાં રોગચાળો ફેલાયો છે, એટલું જ નહીં જયાં જુઓ ત્યાં ખાડા ખબડા જોવા મળે છે તો શું અધિકારીઓને આ દેખાતા નથી ? કેટલાક વિસ્તારોમાં ચાલી શકાતું નથી, વાહનચાલકો ખુબ જ પરેશાન છે, જામનગરને હવે ‘ખાડાનગર’ની ઉપમા આપીએ તો પણ કંઇ ખોટુ નથી, ત્યારે હવે તાત્કાલીક અસરથી પેચવર્કના કામ કરાવો અને ગંદકી ન વધે તે માટે જરૂરી કડક પગલા લો તેવી માંગણી જનરલ બોર્ડમાં વિપક્ષી સભ્યોએ કરી હતી.


મેયર વિનોદભાઇ ખીમસુરીયાના અઘ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળી હતી, જેમાં વિપક્ષીઓએ તંત્ર ઉપર પ્રહાર કર્યા હતાં, વિપક્ષી સભ્યો અલ્તાફ ખફીએ તંત્ર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અમારા કેટલાક વિસ્તારોમાં તો ગંદકીને માજા મુકી છે, તમે એક દિવસ આ વિસ્તારમાં રહો તો રૂા.50 હજારનું ઇનામ મારા તરફથી આપીશ. કેટલાક વિસ્તારોમાં ચાલી શકાતું નથી, કોલેરા અને ચાંદીપુરાના કેસો વઘ્યા છે ત્યારે જામનગરમાં જયારે નગરપાલિકા હતી ત્યારે પણ કયારેય આટલી બધી ગંદકી જોઇ નથી, હવે તો હદ થાય છે અને આ પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો લોકો વધુ બિમાર પડશે એ નકકી છે.

વિપક્ષી કોર્પોરેટર અસ્લમ ખીલજી અને આનંદ રાઠોડે પણ જણાવ્યું હતું કે, દિગ્વિજય પ્લોટ પાસે બાળકોની હોસ્પિટલ પાસે તો ગંદકીના થર જામ્યા છે, એટલું જ નહીં મોરકંડા નદીમાં ગંદુ પાણી ઠાલવાય છે, રિવરફ્રન્ટ ભલે બને પરંતુ આનો ઉકેલ પણ જરૂરી છે, કાલાવડ નાકા બહાર આવેલું બ્રિજ પડુ-પડુ થઇ રહ્યો છે, સળીયા પણ બહાર નિકળી ગયા છે, આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ જાતના પગલા લેવામાં આવ્યા નથી.

આજની જનરલ બોર્ડમાં તા.15-7-2024 થી 31-7-2024 સુધીની વ્યાજ માફીની 100 ટકા સ્કીમને મંજુરી અપાઇ હતી તેમજ શ્રાવણી લોકમેળાની અફસેટ પ્રાઇઝો અંગે પણ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ગુજરાત નગરરચના શહેરી વિકાસ અધિનિયમની કલમ 41માં યોજના 25ની દરખાસ્ત મંજુર કરાઇ હતી જયારે 26 અને 27 તેમજ યોજના 11 અને 20 અંગે પણ મંજુર કરાઇ હતી. વિપક્ષી નેતા ધવલ નંદાએ એવું જણાવ્યું હતું કે, પહેલા ટીપી સ્કીમ 7 અને 10 મંજુર કરો ત્યારબાદ નવી સ્કીમો લાવો, અગાઉની ટીપી સ્કીમ મંજુર થઇ નથી, આ કાર્યવાહી સરકારમાં કહીને ઝડપથી કરવી પડશે. આ બોર્ડમાં સ્ટે.ચેરમેન નિલેશ કગથરા અને પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી વચ્ચે થોડો સમય બોલાચાલી થઇ હતી, પરંતુ પાછળથી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું, ફાયરબ્રાન્ડ નગરસેવિકા રચના નંદાણીયાએ પણ ગંદકી અંગે કેટલાક પ્રશ્ર્નો ઉભા કર્યા હતાં.

ગૌવંશના મૃત્યુ અંગે મૌન
જનરલ બોર્ડની બહાર નગરસેવિકા રચનાબેન નંદાણિયા સહિતના મહાનુભાવો દ્વારા ગાયો અને ખુટિયાઓના મોત અંગે મૌન પાડી અને ધરણા કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *