ખેતીની જમીનમાં ગોબાચારીના આક્ષેપથી ખળભળાટ દરખાસ્ત રાતોરાત તૈયાર કરીને શહેરી વિકાસ મંત્રાલયને મોકલાયાનો ધડાકો: કનસુમરા, ચેલા અને દરેડ સહિતની ખેતીની જમીન ઉદ્યોગમાં ફેરવવાના કૌભાંડનો પર્દાફાશ કરતાં વિપક્ષી નેતા ધવલ નંદા

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 જુલાઈ 24,

જામનગર

ભૂતકાળમાં જાડા હેઠળ 100 કરોડની ખેતીની જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાનું પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું, ગાંધીનગર સુધી તેના પડઘા પડયા હતાં, બે-ત્રણ વખત ફાઇલો શહેરી વિકાસ મંત્રાલયમાંથી પરત આવી હતી, મોટી-મોટી હસ્તીઓના નામ એ પ્રકરણમાં સામેલ હતાં, આખરે સતાના જોરે એ પ્રકરણ તો ઠંડુ પડી ગયું છે, પરંતુ જામનગર તાલુકાના ચેલા, દરેડ અને કનસુમરામાં ખેતીની જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાનું વધુ એક કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ધડાકો મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલભાઇ નંદા દ્વારા કરવામાં આવ્યો છે અને જાડાના અઘ્યક્ષને પત્ર લખીને તાત્કાલીક અસરથી વિજીલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે. જો કોઇ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની તથા આ કથીત ઝોન ફેરને કાનુની રીતે કોર્ટમાં પડકારવાની પણ ચિમકી પત્રમાં આપવામાં આવી છે.

જામનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે જાડાના કમિશ્નર (અઘ્યક્ષ)ને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લા તાલુકાના ચેલા, દરેડ અને કનસુમરાની ખેતીની જમીનો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કોઈપણ જાતની જાણ વગર લાગતા-વળગતા બિલ્ડરો સાથે સાંઠ-ગાંઠ કરીને અમુક જ સર્વે નંબર વાળી જમીન લઈને બિલ્ડરોને સીધો ફાયદો કરાવવા, બિલ્ડરો-સત્તાધારી પાર્ટીના લોકો અને અધિકારીઓ સાથે મિલાપી થઈ બંધ બારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરેલ છે. જેની રાતો-રાત દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવેલ છે અને જામનગર જિલ્લાની જનતા તેનાથી સાવ અજાણ છે. આવાજ એક પ્રકરણમાં અગાઉના વહીવટી અધિકારીને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવેલ છે, તે સૌ જાણે છે.

કોઈપણને જાણ વગર કાયદાના નિયમોને બાજુમાં મૂકી બંધ બારણે સેટિંગ કરીને જેમાં બિલ્ડરો, સત્તાધારી પાર્ટીના લોકો અને અધિકારીઓ પણ મિલીભગત કરી સંડોવાયેલા છે અને સમગ્ર કૌભાંડની છાણે ખૂણે કોઈને પણ ગંધ ન આવે તેવી રીતે કરવામાં આવેલ છે અને સરકારમાં મોકલેલ દરખાસ્ત મંજુર થઈને આવી ગયા બાદ તમામને જાણ કરવાની જેથી  આ કૌભાંડ ઉપર કોઈ સંકા ન કરે. આ બેઠકની તેમાં થયેલ હુકમો અને થયેલી દરખાસ્તોની ક્યાંય પણ માહિતી આપવામાં આવેલ નથી.

આ બાબતે અમો વિપક્ષના નેતાએ માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માંગેલ તેમજ પત્ર પણ લખેલ પરંતુ હજી સુધી આ માહિતી આપવામાં આવેલ નથી માહિતી આવ્યા બાદ સર્વે નંબર સહિત આધાર પુરાવા સહિત કાર્યવાહી કરવામાં આવશે અને માહિતી આપેલ નહી તેનો અર્થ એવો થયેલ છે કે આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયેલ છે. જેમાં તમામ સત્તાપક્ષના તથા વહીવટી અધિકારીઓ સંડોવાયેલા છે. જો તેની તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને કૌભાંડ બહાર આવે તેમ છે. તેની વિજીલન્સ તપાસ થવી ખૂબજ જરૂરી છે. આ અંગે જો કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન તેમજ કાયદાકીય રીતે કોર્ટનું શરણ લેવું પડશે તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *